Nehemiah 4

1હવે જયારે સાન્બાલ્લાટે સાંભળ્યું કે અમે કોટ બાંધીએ છીએ, ત્યારે તે ઉગ્ર થયો. અને રોષે ભરાયો. તેણે યહૂદીઓની હાંસી ઉડાવી. 2તેના ભાઈઓ અને સમરુનના સૈન્યની હાજરીમાં તે બોલ્યો, “આ નિર્બળ યહૂદીઓ શું કરી રહ્યા છે? શું તેઓ પોતાને માટે ફરીથી નગર બાંધશે? શું તેઓ યજ્ઞ ચઢાવશે? શું તેઓ આ કામ એક દિવસમાં પૂરું કરી શકશે? શું બળી ગયેલી ઈમારતોના ધૂળઢેફાંના ઢગલામાંથી તેઓ પુન:નિર્માણ કરશે? 3આમ્મોની ટોબિયા જે તેની સાથે હતો, તેણે કહ્યું, “તેઓ જે બાંધી રહ્યા છે તે પથ્થરના કોટ પર એક શિયાળ પણ ચઢે તોય તે તૂટી પડશે!”

4અમારા ઈશ્વર, સાંભળો, કેમ કે અમારી મશ્કરી કરવામાં આવે છે. તેઓ અમારી જે નિંદા કરે છે તેનો બદલો તેઓને વાળી આપો. તેઓ બંદીવાસમાં જાઓ અને તેઓના ઘરબાર લૂંટાઈ જાઓ. 5હે ઈશ્વર, તેઓના અન્યાય સંતાડશો નહિ અને તેઓનાં પાપ તમારી આગળથી ભૂંસી નાખશો નહિ, કારણ કે તેઓએ બાંધનારાઓને ખીજવીને ગુસ્સે કર્યા છે.” 6એમ અમે તે કોટ બાંધ્યો અને લોકોનો ઉત્સાહ એટલો બધો હતો કે આખો કોટ તેની નિર્ધારિત ઊંચાઈથી અડધા ભાગનો કોટ તો તેઓએ જોતજોતામાં બાંધી દીધો.

7પરંતુ જ્યારે સાન્બાલ્લાટે, ટોબિયાએ, આરબોએ, આમ્મોનીઓએ અને આશ્દોદીઓએ સાંભળ્યું કે, યરુશાલેમના કોટના મરામતનું કામ આગળ વધી રહ્યું છે અને પડેલા મોટાં ગાબડાં પુરાવા માંડ્યા છે, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. 8તેઓ બધા એકઠા થયા અને તેઓને તેઓના કામમાં ભંગાણ પાડવા માટે યોજના કરી. તેઓ યરુશાલેમ વિરુદ્ધ લડવા માટે આવ્યા. 9પણ અમે અમારા ઈશ્વરને પ્રાર્થના કરી અને તેઓની સામે ચોકી કરવા રાતદિવસનો જાપ્તો ગોઠવી દીધો.

10પછી યહૂદિયાના લોકોએ કહ્યું કે, “વજન ઊંચકનારા મજૂરો પુષ્કળ થાકી ગયા છે અને ત્યાં એટલો બધો કચરો છે કે અમે આ કોટ બાંધી શકતા નથી.”

11અમારા શત્રુઓએ એવું કહ્યું, “આપણે તેઓના પર તૂટી પડીને તેઓને ખબર પડે કે તેઓ આપણને જુએ તે પહેલાં તેઓને મારી નાખીશું અને કામ પણ અટકાવી દઈશું.”

12તે સમયે તેઓની પડોશમાં રહેતા યહૂદીઓએ અમારી પાસે દસ વાર આવીને અમને ચેતવ્યા કે, “તેઓ સર્વ દિશાએથી આપણી વિરુદ્ધ ભેગા થઈ રહ્યા છે.” 13તેથી મેં કોટની પાછળ ખુલ્લી જગ્યાઓમાં સૌથી નીચેના ભાગમાં લોકોને તેઓનાં કુટુંબો પ્રમાણે, તરવારો, ભાલાઓ તથા ધનુષ્યબાણ વડે સજ્જ કરીને બેસાડ્યા. 14મેં અધિકારીઓને તથા બીજા લોકોને ઉદ્દેશીને કહ્યું, “તમારે તે લોકોથી ડરવું નહિ. આપણા યહોવાહ કેવા મહાન અને ભયાવહ છે તે યાદ કરીને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, પત્નીઓ અને તમારા ઘર માટે લડો.”

15જયારે અમારા શત્રુઓએ સાંભળ્યું કે અમને તેઓની યોજનાની જાણ થઈ ગઈ છે અને યહોવાહે તેઓની યોજના નિષ્ફળ બનાવી છે ત્યારે અમે સર્વ કોટ બાંધવા માટે પોતપોતાના કામ પર પાછા આવ્યા. 16તે દિવસથી મારા અડધા ચાકરો બાંધકામ કરતા અને બાકીના ભાલા, ઢાલ, તીરકામઠાં અને બખ્તર ધારણ કરીને ચોકી કરવા માટે ઊભા રહેતા. અને યહૂદિયાના બધા લોકોને આગેવાનો તેઓની સાથે રહીને પીઠબળ પૂરું પાડતા હતા.

17કોટ બાંધનારાઓ અને વજન ઉપાડનારાઓ એક હાથથી કામ કરતા હતા અને બીજા હાથમાં શસ્ત્ર ધારણ કરી રાખતા હતા. 18બાંધકામ કરનારાઓ પણ કમરે તરવાર લટકાવીને કામ કરતા હતા. રણશિંગડું વગાડનાર મારી પાસે હતો.

19મેં અમીરોને, અધિકારીઓને અને બાકીના લોકોને કહ્યું, “કામ વિશાળ અને મોટું છે. આપણે કોટની ફરતે અલગ અલગ પડી ગયેલાં છીએ. 20તો તમે જ્યાં પણ હો, તે જગ્યાએ જ્યારે રણશિંગડાંનો અવાજ સાંભળો ત્યારે એકસાથે બધા લોકો દોડીને મારી પાસે ભેગા થઈ જજો, આપણા ઈશ્વર આપણા માટે યુદ્ધ કરશે.”

21આ પ્રમાણે અમે પુન:નિર્માણનું કામ આગળ ચલાવતા હતા અને અમારામાંના અડધા સવારથી રાતે તારા દેખાય ત્યાં સુધી હાથમાં ભાલા લઈને ઊભા રહેતા હતા. 22મેં તેઓને તે સમયે એમ કહ્યું કે, “દરેક માણસે તેના ચાકરસહિત યરુશાલેમમાં જ રહેવું, જેથી તેઓ રાત્રે અમારું રક્ષણ કરે અને દિવસે કામ કરે.” આમ, હું, મારા ભાઈઓ, મારા ચાકરો કે મારી પાછળ ચાલતા રક્ષકો કોઈ કદી વસ્ત્રો ઉતારતા નહિ અને અમે જ્યારે જ્યાં કહીં જતા ત્યારે અમે દરેક જણ અમારા શસ્ત્રો સાથે રાખીને જતા હતા.

23

Copyright information for GujULB